Category: Mahesh Rawal


હસ્તરેખા પર જરા આધાર રાખી જોઇએ
સાવ નક્કર ભીંત વચ્ચે, દ્વાર રાખી જોઇએ !

ઘરત્યજી નીકળે નદી, બસ એમ સપનાં નીકળે
એક દરિયો પાપણે તૈયાર રાખી જોઇએ !

વ્યાજબી કારણવગર ઈતિહાસ ક્યાં બદલાય છે ?
આપણો કિસ્સો ખુલાસાવાર રાખી જોઇએ !

સ્થળે સંદિગ્ધતાથી શું વધારે પ્રાપ્ય છે ?
શૂન્ય સામે શેષનો વ્યવહાર રાખી જોઇએ !

જાગતી આંખો ઉપર છંટાય છે દ્રષ્યો સતત
બંધ આંખે, કૈંક અપરંપાર રાખી જોઇએ !

પર્વનાં પર્યાય નક્કી કોણ કરશે આખરે !
અનુત્તર પ્રશ્ન, ચર્ચા બ્હાર રાખી જોઇએ

ઓગળે, તો છુંદણાનેં ફૂટશે વાચા હવે
ટેરવાનો તાપ ઠંડોગાર રાખી જોઇએ !

ડો.મહેશ રાવલ

Courtesy: http://navesar.wordpress.com/

કેટલાક એવા સરવાળા થયાં છે
ફૂલ ઓથે શૂળ રૂપાળા થયાં છે !

અલગ છે કે નથી કંઈ યાદ રાખ્યું
તોય ઝખ્મો હર પળે આળા થયાં છે !

ભૂલ થઈગઈ લાગણીશીલ થવાનીં
ત્યારથી, લોહીઉકાળા થયાં છે !

જે હતી,છે આખી વાત કેવળ
પાત્રવરણીમાં ગોટાળા થયાં છે !

કંઈક છે,જે આપે છે હૂંફ નિરંતર
એટલે શ્વાસ હૂફાળા થયાં છે !

કેટલા દીવા મથીને ઓલવાયા
તોય તળિયે ક્યાંય અજવાળા થયાં છે ?

રોજ ઠલવાતા હશે ત્યાં સ્વપ્નના શબ
આંખ નીચે,એના કૂંડાળા થયાં છે !

ડો.મહેશ રાવલ

Courtesy: http://navesar.wordpress.com/

બધાને ત્યજી,નીકળું પણ ખરો
હું અજાણ્યા વળાંકે,વળું પણ ખરો !

થઈજતી હોય જ્યાં કલ્પના પણ સિમીત
ત્યાં,હકીકત સ્વરૂપે મળું પણ ખરો !

મુખોટા મઢેલી વસાહત મહીં
મૂળ ચહેરો બની,સળવળું પણ ખરો!

કોઇ નીકળી શકે જો નદી જેમ,તો
હું સમંદર સમું ખળભળું પણ ખરો !

સ્હેજ વિસ્તાર તારી નજરનું ફલક
ઓળખીતાપણું સાંકળું પણ ખરો !

શક્ય છે કાલ બદલાય મારૂં વલણ
સાવ નહીં તો જરા,પીગળું પણ ખરો !

હું જાણી ગયો છું કસબ જીતનાં
જેમ વાળો મને,હું વળું પણ ખરો !

વિશ્વ,બે સૂર્યનો તાપ ક્યાંથી ખમે!
ક્યાંક દીવો બની ઝળહળું પણ ખરો !

ડો.મહેશ રાવલ

Courtesy: http://navesar.wordpress.com/

હવે ક્યાં કોઇ કિસ્સો લાગણીનોં યાદ રાખે છે
હ્રદય જેવા હ્રદયમાં,કેટલો વિખવાદ રાખે છે !

અધિક્તર થાય છે સામેલ ખુલ્લેઆમ,અડધેથી
સિફતપૂર્વક પછી,કેવાં સ્વયંને બાદ રાખે છે !

સતત ખરડાય છે રસ્તા,ઉપરછલ્લી ચરણરજથી
બધાને ક્યાં વળાંકો દરઅસલ,આબાદ રાખે છે ?

સુખદ અંજામથી વંચિત રહે છે વારતા છેલ્લે
પછી હર પાત્ર,પોતાનાં અલગ સંવાદ રાખે છે !

બતાવો એકપણ જો હોય તો સંબંધ,બે-મતલબ
બધા વચ્ચે નિયત અંતર,જરૂરતવાદ રાખે છે !

તમે માણસતરીકે ઓળખો છો આ વકલનેં,પણ
લપસણી જાત,કેવળ સ્વાર્થ ઝીંદાબાદ રાખે છે !!!

ડો.મહેશ રાવલ

નવેસર/૬૯

Courtesy: http://navesar.wordpress.com/

ક્યાંસુધી લખવા! – Kyan Sudhi Lakhva

તમને ઘણીખમ્મા ! – Tamne Ghani Khamma

માણસ જેવો માણસ મળશે…..! – Manas Jevo Manas Malashe

પછી, બે-ફામ રોયો છું – Pachhi Be Fam Royo Chhu

કોઈ અડધી લખેલી ગઝલમાં હતું ! – Koi Adadhi Lakheli Gazalma Hatu

સપનાંએ બાંધેલા સંબંધ – Sapna a Bandhela Sambandh

Courtesy: http://www.shabdaswar.blogspot.com/, Dr. Mahesh Rawal

આમ દરિયો,આમ જાણે કંઈ નથી
વ્યસ્ત છું,ને કામ જાણે કંઈ નથી !

એક પીંછું રોજ ઓછું થાય છે
પાંખનું પરિણામ જાણે કંઈ નથી !

શક્ય છે,સંબંધ નીકળે દૂરનો
વ્યક્ત,ખુલ્લેઆમ જાણે કંઈ નથી !

રોજ અડધાં પર્વ ઉજવે છે ચરણ
જોમ,જુસ્સો,હામ જાણે કંઈ નથી !

ખુદ અરીસો અંધ નીકળે-તો પછી
આંખ પર ઈલ્ઝામ જાણે કંઈ નથી !

છે હજુ સંબંધ,’ને અકબંધ પણ
એ ખરૂં કે,નામ જાણે કંઈ નથી !

શું પરિચય આપવો નક્કરપણે ?
આમ છું,’ને આમ જાણે કંઇ નથી !

ડો.મહેશ રાવલ

Courtesy: http://navesar.wordpress.com/

કોઇ અડધી લખેલી ગઝલમાં હતું
કોણ માની શકે જલ, કમલમાં હતું !

શું હતું, ક્યાં ગયું, પ્રશ્ન એ ક્યાં હતો ?
જે હતું તે બધું, દરઅસલમાં હતું !

શબ્દ પાસે વિકલ્પો હતાં અર્થનાં
સત્ય કડવું ભલે,પણ અમલમાં હતું !

કોણ કે’છે મુકદર બદલતું નથી ?
આજ એ પણ અહીં,દલબદલમાં હતું !

છેક છેલ્લે સુધી અવતરણ ચિહ્નમાં
ને હવે, આંસુઓની શકલમાં હતું !

ફેર શું હોય છે, રૂપ નેં ધૂપમાં ?
બેઉ, અડધે સુધી હર મજલમાં હતું !

-ડો.મહેશ રાવલ

Courtesy: http://www.tahuko.com/, http://navesar.wordpress.com/

Follow

Get every new post delivered to your Inbox.